મહેસાણા જિલ્લાની નજીકથી કર્કવૃત પસાર થતુ હોવાથી આ જિલ્લાની આબોહવા વિષમ પ્રકારની જોવા મળે છે. ઉનાળામાં સખત ગરમી અને શિયાળામાં સખત ઠંડી પડે છે. જિલ્લામાં વરસાદનું પ્રમાણ સરેરાશ ૮૦૦ થી ૧ર૦૦ મી.મી. જોવા મળે છે. જિલ્લામાં ગાઢ અને ગીચ જંગલો તેમજ ઉંચા ડુંગરો ન હોવાથી આ વિસ્તાર સૂકી અને અર્ધ સૂકી આબોહવા અનુભવે છે. ઘણી વખત આ જિલ્લો ઉષ્ણ કટીબંધિય ચકૂવાતનો પણ ભોગ બને છે. દૈનિક તાપમાનનો ગાળો વધુ રહેવાને કારણે પ્રજાની કાર્યક્ષમતા પર તેની અસર જોવા મળે છે.

મૌર્યકાલ, અનુમોર્યકાલ, ગુપ્તયુગ મૈત્રક, ચાલુકય ( સોલંકી અને સુવર્ણયુગ ) આ બધાં જ કાળ મહેસાણાની ગરીમા અને અસ્મિતાના સાક્ષી પુરતા ઉભા છે. સલ્તનતકાળ, મૌગલકાળ, મરાઠાકાળ અને ગાયકવાડી શાસન પણ મહેસાણાના ગર્વ ઈતિહાસને સંગ્રહે છે. લોક મુખે મહેસાણા નગર મેસાજી ચાવડા નામના રાજપૂતે વસાવ્યું હોવાનુ કહેવાય છે. જયસિંહ બ્રહમભટ્ટ નામના કવિએ સને ૧૯૩રમાં પ્રાચીન કવિતાઓમાં વર્ણાવ્યા મુજબ ઈ.સ. ૧૩પ૮ માં ભાદરવા સુદની દશમે મેસાજી ચાવડાએ તોરણવાળી માતાની સ્થાપના કરી મહેસાણા ગામનો પાયો નાખ્યો હતો. તે પછી ગામના વસવાટનું તોરણ બાંધવામાં આવ્યું. મહેસાણાની સ્થાપનામાં એકમાત્ર સાક્ષી તોરણવાળી માતા ૬૪૯ વર્ષથી અખંડ દીવાની જયોત પ્રગટાવી જિલ્લાની વિકાસ જયોત પ્રસરાવી રહયા છે.

ગાયકવાડોએ તેમનું રાજય વડોદરામાં સ્થાપ્યુ ત્યારે ઉત્તર ગુજરાતમાં વહીવટ માટે રાજધાનીની પસંદગી પાટણ ઉપર ઉતારી. આ સ્થળ તેમને દૂર પડતુ હતુ તેથી તેઓએ ઉત્તર પ્રાંતના વડા મથક તરીકે પ્રાચીન શહેર કડીને વડુ મથક બનાવ્યુ હતું. સલ્તનતકાળથી “કિલ્લેકડી” તરીકે કડી પ્રાંત અસ્‍તિત્વમાં હતો ૧૯૦ર માં ગાયકવાડ પ્રાંતનું વડુ મથક મહેસાણા લાવ્યા અને દહેગામ, આતરસુબા, કડી, પાટણ, વડનગર, વિસનગર, ખેરાલુ અને વિજાપુર એમ ૮ મહાલમાં ઉત્તર પ્રાંતને વહેંચવામાં આવ્યો. મહેસાણા પ્રાંતમાં ગાયકવાડે નાખેલી રપ૭ માઈલની રેલ્વે તા. ર૧/૩/૧૮૮૭ થી પ્રાંતના મુસાફરોને સગવડ આપી રહી છે અને શિક્ષણની અનેક શાળા અને પાઠશાળાઓ જ્ઞાનની જયોત પ્રસરાવી રહી છે.

૪૪૮૪.૧૦ ચો.કી.મી. ક્ષેત્રફળ ધરાવતો મહેસાણા જિલ્લો હાલના ગાંધીનગર અને પાટણ જિલ્લાનો બનેલો હતો ઈ.સ. ૧૯૯૭ માં ગુજરાત રાજયની બરાબર મઘ્યમાં આવેલા મહેસાણા જિલ્લામાંથી પાટણ જિલ્લો છૂટો પડયા પછી ૯ તાલુકાનો બનેલો મહેસાણા જિલ્લો અનેક વિશિષ્ટતાઓ ધરબીને બેઠો છે.

ચો.કી.મી. ક્ષેત્રફળ ધરાવતો મહેસાણા જિલ્લો હાલના ગાંધીનગર અને પાટણ જિલ્લાનો બનેલો હતો ઈ.સ. ૧૯૯૭ માં ગુજરાત રાજયની બરાબર મઘ્યમાં આવેલા મહેસાણા જિલ્લામાંથી પાટણ જિલ્લો છૂટો પડયા પછી ૯ તાલુકાનો બનેલો મહેસાણા જિલ્લો અનેક વિશિષ્ટતાઓ ધરબીને બેઠો છે.